રેતની કણ કણ વીણીને એક રણ ભેળું કર્યું,
સ્વપ્નના કટકાઓ સાંધી મેં સ્મરણ ભેળું કર્યું.
વાર્તા કહેતા અચાનક હું અવાચક થઇ ગયો,
શબ્દને તોડી મરોડી વિવરણ ભેળું કર્યું.
બાગ,દરિયો,વૃક્ષ,ફૂલો ને પ્રતિક્ષાનું નગર,
એક લીટીમાં લખેલું સાંભરણ ભેળું કર્યું.
નામ એનું આંખમાં આંજી અને ઊંઘી ગયો,
ગાઢ નીદરમાંય પાછું જાગરણ ભેળું કર્યું,
ભાર લાગે છે મને મોટા થવાનો એટલે,
શેરીઓમાંથી રઝળતું બાળપણ ભેળું કર્યું.
No comments:
Post a Comment